"અમે એક ક્ષણ પણ આ સંસારમાં રહેતા નથી, સંસારમાં રહેવું એટલે પરપરિણતિમાં રહેવું.હું આત્મામાં રહું છું.હું નિરંતર આત્મરમણતામાં રહું છું,નિરંતર આત્મજાગૃતિમાં રહું છું અર્થાત મોક્ષમાં રહું છું."
આ જ્ઞાન પ્રગટ થતાંની સાથે જ, પાર વગરનો આનંદ થયો અને તેઓ અંબાલાલ પટેલનાં દેહથી સંપૂર્ણપણે જુદાં થઇ ગયાં. અંબાલાલનો અહંકાર, જે તેમને સતત કૈડતો, તે ઓગળી ગયો.નવી દિવ્યદૃષ્ટિ સાથે, તેમણે બધા જીવોને શુધ્ધાત્મા સ્વરૂપે જોયા. બહાર તો કશું જ ના બદલાયું, પરંતુ તેમની વાણી દ્વારા શુધ્ધ જ્ઞાન પ્રગટ થવા લાગ્યું અને તેમની આસપાસ રહેનારા પર ઘણી ઊંડી અસર પડી. એમની નજીક રહેતા લોકોનાં ધ્યાનમાં આવતા વાર ના લાગી કે, આમનામાં કંઇક વિશેષ રીતે પરિવર્તન થયું છે અને તેઓ તેમના સાંનિધ્યને ઇચ્છવા લાગ્યા. લોકોએ તેમને વ્હાલથી 'દાદાશ્રી' અને 'દાદા ભગવાન' તરીકે સંબોધવાનું શરૂ કર્યું.
લોકોનાં દુઃખો તેઓ જોઈ શકતા ન હતા. તેમને દર્શનમાં દેખાતું હતું કે જે દૃષ્ટિ એમને પ્રાપ્ત થઇ હતી તે આ બધાને દુઃખોમાંથી છોડાવશે અને મુકિત આપશે. દાદાશ્રીની એક જ ભાવના હતી કે 'જે સુખ હું પામ્યો તે સુખ આખું જગત પામો.' દાદાશ્રીએ મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાનું શરૂ કર્યું. ૧૯૬૮ માં એક ૨૩ વર્ષના મેડીકલ વિદ્યાર્થીની, નીરુબહેન અમીન, સૌપ્રથમવાર તેમને મળ્યા અને તેમની આધ્યાત્મિક સમર્થતા તુરંત જ ઓળખી ગયા, તત્કાળ નીરુબહેને પોતાના મેડીકલની કારકિર્દી છોડવાનો નિર્ણય લીધો અને દાદાશ્રીની સેવામાં પોતાનું જીવન સમર્પણ કરી દીધુ. તે સ્પષ્ટ હતું કે જયારે સત્સંગની વાત આવે ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રીએ કદી પોતાની નાજુક તબિયત કે આરામ પર ધ્યાન આપ્યુ નહોતું. બધા લોકોને આ અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે, તેઓ બંને દેશવિદેશમાં પોતાનાં ખર્ચે પરિભ્રમણ કરતાં.
એમનો સત્સંગ હમેંશા પ્રશ્નોત્તરી સ્વરૂપમાં રહેતો. તેમના જવાબ પ્રશ્નકર્તાની ચોક્કસ જરૂરિયાતને અનુરૂપ રહેતા, જે અચૂકપણે મુમુક્ષુની જીજ્ઞાસાનો અંત લાવતા અને તેમને ઉંચે ચઢાવતાં. અક્રમવિજ્ઞાન દ્વારા તેઓ બધા શાસ્ત્રોનો સાર(મર્મ) કાઢી મુમુક્ષુઓને, ફક્ત આધ્યાત્મિક જીવન માટે નહીં પણ રોજબરોજનાં સંસારિક જીવન માટે પણ એક નવીન, સચોટ અને સરળતાથી લાગુ પાડી શકાય તેવું માર્ગદર્શન આપી શક્યા.
જાન્યુઆરી ૧૯૮૮ માં, જગત કલ્યાણનું મિશન, પૂજ્ય નીરુમાં અને તેમનાં સહાધ્યાયી પૂ.દીપકભાઈનાં સક્ષમ હાથોમાં મૂકીને, પરમ પૂજ્ય દાદાશ્રીએ સ્થૂળ દેહ છોડ્યો. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય નીરૂમાને સત્સંગ અને આત્મજ્ઞાન પ્રાપ્તિ (જ્ઞાનવિધિ) કરાવવાની જ્ઞાનસિધ્ધિ આપેલ. પૂજ્ય દીપકભાઇને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિધ્ધિ આપેલ. ૨૦૦૩ ની સાલમાં પૂજ્ય નીરૂમાએ પૂજ્ય દીપકભાઇને જ્ઞાનવિધિ (આત્મસાક્ષાત્કારનો ભેદવિજ્ઞાનનો જ્ઞાનપ્રયોગ) કરાવવાની જ્ઞાનસિધ્ધિ આપી.
subscribe your email for our latest news and events