તેઓને મુકિતની તીવ્ર ઇચ્છા હતી અને ઉપરી હોવાનો ખ્યાલ તેમને જરાય પસંદ નહોતો. એમના માટે નોકરી કરવી એટલે માથે એક બોસ હોય જે ગમે ત્યારે તેમને ટૈડકાવી શકે અને ધૂનમાં આવે તો નોકરી માંથી કાઢી મૂકે. એકદિવસ તેમણે સાંભળ્યુ કે, એમના ફાધર (પિતા) અને મોટાભાઇ તેમને તેમના, એક કુટુંબીની જેમ સૂબો બનાવવાની સંતલસ કરી રહ્યા છે. તેનો મતલબ કે સરસૂબો મારો ઉપરી થશે.“મહાપરાણે આ મનુષ્ય અવતાર મળ્યો અને ત્યાં પાછો જો ટૈડકાવનારો મળે તો આ અવતારને શું કરવાનો?” આપણને કશી મોજશોખની ચીજ જોઇતી નથી અને પેલો ટૈડકાવે એ કેમ પોષાય? જેને મોજશોખની ચીજ જોઇતી હોય તેને ભલે ટૈડકાવવાનું મળે. મારે તો આવું તેવું કશું જોઇતું નથી. હું પાનની નાની દુકાન કરીશ પણ આવું ટૈડકાવવાનું નહીં ફાવે ! એટલે મેં નકકી કર્યું કે મેટ્રિકમાં નાપાસ જ થવું, જેથી મોટાભાઇ અને ફાધર (પિતા) મને સૂબો બનાવવાનો વિચાર પડતો મૂકે.
નિરંતર આધ્યાત્મિક ખોજમાં રહેતા, લોકોએ જેમાં સુખ માનેલું, એમાં ક્યારેય એમને સુખ દેખાયેલું નહીં. તેઓ કદી લોકસંજ્ઞાએ ચાલેલા નહીં, ઉલટું લોકસંજ્ઞા વિરૂધ્ધ ચાલેલા. તેઓ કયારેય પૈસા કે સંપત્તિથી લલચાયા નહોતા અને તેમનો સિવિલ કોન્ટ્રાક્ટનો ધંધો નીતિ અને પ્રમાણિકતાથી ચલાવતા હતા. જ્યારે તેમને બીજા કોન્ટ્રાક્ટર હલકી ક્વોલિટીનું રો મટીરિયલ વાપરે છે તે વિષે પૂછવામાં આવતું તો તેઓ કહેતા કે, “અમે ભૂખ્યા મરીશું, પણ બાંધકામમાં વપરાતા સિમેન્ટ અને સ્ટીલની ગુણવત્તા પર કયારેય બાંધછોડ નહીં કરીએ. શરીરમાં જેવું લોહી અને હાડકાંનું મહત્વ છે, તેવું જ મહત્વ બાંધકામમાં સિમેન્ટ અને લોખંડનું છે.(આ સિમેન્ટ કાઢી લેવો એ માણસમાંથી લોહી ચૂસી લેવા જેવું છે અને લોખંડ કાઢી લેવું એ હાડકાં કાઢી લેવા જેવું છે.)
subscribe your email for our latest news and events