મિકેનીકલ એન્જિનીયરીંગની ડીગ્રી મેળવી, પૂજ્ય દીપકભાઈએ પોતાનો 'કન્સલટન્ટ' તરીકેનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.સંસારી જીવનમાં વ્યસ્તતા હોવા છતાં, તેમનું હૃદય પરમ પૂજ્ય દાદાશ્રી સાથે રહેતું અને તેમનાં વિજ્ઞાનને સમજવા ઝંખતું. તેઓ તેમનો બધોજ વધારાનો સમય પૂજ્ય નીરુમાને, પરમ પૂજ્ય દાદાશ્રીની સેવામાં મદદ કરવામાં વીતાવતાં. તેમને સોંપવામાં આવેલું દરેક કાર્ય તેઓ સંપૂર્ણ નિષ્ઠા(સિન્સીયારીટી) સાથે નિભાવતાં. તેમની સેવામાં સાવ સાધારણ કાર્યો જેવા કે, કચરો વાળવો, સત્સંગ અને જ્ઞાનવિધિ પહેલાની તૈયારીઓ, પાથરણા પાથરવાં, સત્સંગ પછી જમીન પરથી વેરાયેલા ફુલ વીણવા, પાથરણા સંકેલીને મૂકવા અને બીજા પરચૂરણ કામોમાં ભાગદોડ કરવી વગેરે આવતા. તેઓ પૂજ્ય નીરુમાને પુસ્તકો અને બીજા પ્રકાશનો માટે,પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગોના રેકોર્ડીંગ, લેખન, સંકલન અને સંપાદનમાં પણ સહાય કરતાં.
૧૯૭૪ની સાલમાં એક દીવસ પરમ પૂજ્ય દાદાશ્રીએ પૂજ્ય નીરુમાને કહ્યું કે, "દીપકમાં સિન્સીયારીટી નો ગુણ બહું ઊંચો છે. જો કોઈ તેને વાળનાર અને ઘડનાર હોય તો જે દિશામાં તેને માર્ગદર્શન આપ્યું હોય તેમાં તે ટોચ પર પહોંચશે."
પોતાના વધારાના સમયમાં પૂજ્ય નીરુમા, પૂજ્ય દીપકભાઈ સાથે પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાની પુરુષ તરીકેની મહત્તા, તેમના જગતકલ્યાણનાં મીશન, બ્રહ્મચર્ય અને તેના આધ્યાત્મિક પ્રગતિ સાથેના સંબંધ વિષે જ્ઞાનગોષ્ઠિ કરતાં. પૂજ્ય નીરુમા તેમને પરમ પૂજ્ય દાદાશ્રી સાથે આધ્યાત્મિક વિજ્ઞાનની સૂક્ષ્મ ભેદે (તત્વજ્ઞાન સંબંધી ઝીણી) જ્ઞાનચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરતાં. જેટલું તેઓ અક્રમવિજ્ઞાન વિષે વધારે શીખતા ગયા, એટલો જ બ્રહ્મચર્ય પાળવાનો અને આ આધ્યાત્મિક વિજ્ઞાનને અનુસરવાનો તેમનો નિશ્ચય મજબૂત થતો ગયો.
subscribe your email for our latest news and events