પૂજ્ય નીરુમા - જ્ઞાન પછીનું જીવન
પૂજ્ય નીરુમાને જ્ઞાન મળ્યા પછી દાદાનું જ્ઞાન લોકો સુધી પહોચાડવાની તાલાવેલી લાગી અને એ એમના જીવનનો ધ્યેય બની ગયો. અને આ રીતે એમનું જીવન દાદામય થઈ ગયું.
તેમણે પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી ૮ જુલાઈ ૧૯૬૮, ના રોજ આત્મજ્ઞાન મેળવ્યું અને પોતે (આત્મા) રીલેટીવ સેલ્ફ નીરુથી તદ્ન જુદાં જ સ્વરૂપે હોવાનો નિરાળો અનુભવ થયો. આ જુદાપણાની જાગૃતિ એમનાં જીવનની દરેક મુશ્કેલ પળોમાં અનુભવાતી હતી,તેમનાં વ્હાલસોયા પિતાશ્રીનું અવસાન થયું ત્યારે પણ. આ અનુભવ થી તેમને પાકી ખાતરી થઈ કે આ આત્મવિજ્ઞાન કે જે તેમને પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી પ્રાપ્ત થયું છે, તે ખરેખર ક્રિયાકારી છે.
એમના કુંટુંબમાં બધાને એવી આશા હતી કે યુવાન નીરુ (તેમનું હુલામણું નામ) તબીબી વ્યવસાય અપનાવશે. તેમના પિતાશ્રીની યોજના તેમનાં માટે હોસ્પીટલ બનાવવાની હતી પરંતુ નીરુનાં મનમાં તો જુદી જ યોજના હતી. તેમણે વિચાર્યું કે, 'એક મેડીકલ ડોકટર તરીકે હું માત્ર લોકોની શારીરિક બીમારી જ દૂર કરી શકીશ, પરંતુ જો હું જ્ઞાનીની સેવા કરું, તો પછી ઘણા લોકોને તેમની માનસિક, ભાવનાત્મક અને સાંસારિક બીમારીઓમાં મદદ કરી શકાય કારણકે દાદાશ્રી તેમના પર આ અજોડ આત્મવિજ્ઞાન થકી કૃપા કરશે. જો આ જ્ઞાન મળ્યા પછી લોકોને શાંતિ મળતી હોય અને સંસારની કોઈ પણ ચિંતા-ઉપાધિ ના થતી હોય, નવા કર્મ ના બંધાતા હોય તો પછી કેમ હું મારું જીવન પૂજ્ય દાદાજીને આ જગતક્લ્યાણના કાર્યમાં સહાયરૂપ થવા ના વીતાવું! આથી વધારે ઊંચી વલ્ડૅ(દુનિયા)માં બીજી કઈ વસ્તુ હોઈ શકે?! લોકોને તેમનાં સ્વાસ્થ્ય માટે ઘણાં ડોકટરો મળશે પરંતુ તેમને મુકિત આપવા માટે માત્ર એક જ્ઞાની પુરુષ જ છે!' આ ઉત્કૃષ્ટ ધ્યેય સાથે, એમણે નિશ્ચય કર્યો કે દાદાશ્રીની આજીવન સેવા કરવી. આ રીતે ૧૯૬૮ માં માત્ર ત્રેવીસ વર્ષની કુમળી વયે, તેમણે એશ-આરામથી ભરેલા જીવનના બદલે પોતાનું સમગ્ર જીવન જ્ઞાની પુરુષની સેવામાં સમર્પણ કરી દીધું.
ત્યાર પછીનાં ચાર વર્ષ તેમણે પરમ પૂજ્ય દાદાશ્રીની સેવામાં વીતાવ્યા અને આખું વિજ્ઞાન સમજી લીધું. પરમ પૂજ્ય દાદાશ્રી, પૂજ્ય નીરુમાની આધ્યાત્મિક દશાનો ચિતાર આપતા કહેતા કે, "આ અમારા અક્ર્મનાં મલ્લીનાથ (ગઈ ચોવીસીના ઓગણીસમાં તીર્થંકર અને એકમાત્ર સ્ત્રી દેહે તીર્થંકર) છે." ૧૯૭૩ માં દાદાશ્રીએ પૂજ્ય નીરુમાની ઉપદેશ આપવાની ક્ષમતા વિષે ઉલ્લેખ કરતાં કહેલું કે, "નીરૂબેન શુદ્ધાત્મામાં રહીને બોલે છે ત્યારે એ વાતોથી લોકોને કંઇક ઓર જ જાતની ઠંડકનો અનુભવ થાય છે. નીરુબેનને જ્ઞાન મળ્યાના હજુ તો ચાર જ વર્ષ થયા છે પણ તેમનામાં ઉપદેશકો તૈયાર કરી શકવાની અને નાના-મોટા બધી ઉંમરના લોકોને આખું સાયન્સ બધા પાસાઓથી સમજાવવાની ભારોભાર શક્તિ રહેલી છે."
પૂજ્ય નીરુમા પાસે જટિલ આધ્યાત્મિક તથ્યોને કે, જે લોકો સરળતાથી સમજી શકે, તેને ખૂબજ સરળ રીતે રજૂ કરવાની જોરદાર ક્ષમતા હતી.
subscribe your email for our latest news and events