પૂજ્ય નીરુમા - જ્ઞાન મળ્યા પહેલાનું જીવન
આજે વ્હાલા નીરુમાનું નામ આપણા સહુના હૃદયમાં વસી ગયું છે. જ્ઞાન મળતા પહેલા એમનું જીવન કેવું હતું એ નિહાળો આ વીડિયોમાં.
પ્રેમથી 'નીરુમા' તરીકે જાણીતા, ડૉ. નીરુબેન અમીન, જ્ઞાની પુરુષ અંબાલાલ પટેલ કે જેઓ, પરમ પૂજ્ય 'દાદાભગવાન' અથવા 'દાદાશ્રી' તરીકે જાણીતા છે, તેમનાં અગ્રગણ્ય અંતેવાસી હતા. દાદાશ્રીનાં માર્ગદર્શન હેઠળ, તેઓ પણ એક પરિપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાની તરીકે તૈયાર થયા; જેમણે દાદાશ્રીનાં આ અજાયબ અક્રમ વિજ્ઞાનની ઓળખાણ, લોકો ને પાડવાનું કામ આગળ ધપાવ્યું. તેઓ પોતાની નિ:સ્વાર્થ જગત કલ્યાણની ભાવનાથી આખી દુનિયામાં ફરી હજારો મુમુક્ષુ જીવો પર કૃપા કરી, તેમને સત્સંગ અને જ્ઞાનવિધિ દ્વારા મોક્ષમાર્ગે ચડાવવામાં નિમિત બન્યા.
પ્રેમથી 'પૂજ્ય નીરુમા' તરીકે ઑળખાતા, ડૉ. નીરુબેન અમીનનો જન્મ તા. ૨ ડિસેમ્બર ૧૯૪૪ના રોજ ભારતના મહારાષ્ટ્રના રાજ્યનાં ઔરંગાબાદના ધનાઢ્ય પરિવારમાં થયો હતો. પૂજ્ય નીરુમા પાંચ મોટા ભાઈઓના એકની એક બહેન હોઈ ખૂબ લાડકોડમાં ઉછર્યા હતા. નાનપણથી જ નીરુમા ની ઈચ્છા માનવજાતની સેવા માટે ડૉકટર બનવાની હતી. તેમણે શાળાનું શિક્ષણ મુંબઈ ખાતે લઈ, ઔરંગાબાદ મેડીકલ કોલેજમાંથી ડૉકટરની પદવી મેળવી.
તેઓ જ્યારે કોલેજનાં છેલ્લાં વર્ષમાં ભણતા હતાં, ત્યારે તેમનાથી મોટા ભાઈએ, તેમને પરમ પૂજ્ય દાદાભગવાન વિષે વાત કરી, કે, તેમની પાસે આત્મજ્ઞાન આપવાની ક્ષમતા છે અને કહ્યું કે આ જ્ઞાન એટલું પાવરફુલ છે કે પછી સંસારની કોઈ પણ ચિંતા કે દુઃખ તેમને અડશે નહીં. આ અજોડ આત્મવિજ્ઞાન એટલે ફક્ત બે કલાકનો જ આત્મજ્ઞાન પામવાનો વૈજ્ઞાનિક પ્રયોગ છે જે અક્રમ વિજ્ઞાન તરીકે પ્રખ્યાત છે.પહેલીજ વાર પૂજ્ય નીરુમાએ જીંદગીમાં 'આત્મા' શબ્દ સાંભળ્યો.
૨૯ જૂન ૧૯૬૮ ના રોજ પૂજ્ય નીરુમા પ્રથમવાર જ પરમ પૂજ્ય દાદાશ્રીને વડોદરામાં મળ્યા. એમને જોતાં જ તેમને ગજબનું ખેંચાણ થયું અને લાગ્યું કે તેઓ કેટલાય અવતારથી તેમને ઓળખે છે અને આજે ફરી ભેગા થયા છે. તે સમયે તેમને અંદર પ્રબળ ઈચ્છા થઈ કે, "જો હું મારા જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી પરમ પૂજ્ય દાદાશ્રીની સેવા કરી શકું, તો કેટલું સારુ!" આ પહેલીજ મુલાકાતમાં તેમણે હૃદયથી પોતાનું સર્વસ્વ જ્ઞાનીનાં સુચરણોમાં સમર્પિત કરી દીધું હતું.
subscribe your email for our latest news and events